સોમવાર, 26 જુલાઈ, 2010

મેંદી રંગ લાગ્‍યો રે

મેંદી રંગ લાગ્‍યો રે

મેંદી તે વાવી માળવે
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્‍યો રે -


નાનો દેરીડો લાડકો
ભાભી, રંગો તમારા હાથ રે
મેંદી રંગ લાગ્‍યો રે !


આંગળીઓ રંગી ને રંગી હથેલી
રંગી બેઠી હું તો મનડું યે ઘેલી :
કરી પાનીઓ લાલગુલાલ રે
મેંદી રંગ લાગ્‍યો રે !


ફાગળને ફૂલેકે ખિલ્‍યો’તો ખાખરો
એણે કેસૂડાનો રંગધર્યો આકરો !
જાણે મેંદીના હાથનો રૂમાલ રે
મેંદી રંગ લાગ્‍યો રે !


વાયરો જો ઊડીને આવ્‍યો વૈશાખથી,
કૈક નવું કામણ કીધું એણે આંખથી;
રંગ્યું કુમકુમથી ભાભીનું ભાલ રે
મેંદી રંગ લાગ્‍યો રે !

ઇન્‍દુલાલ ગાંધી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો