કવિશ્રી ઇન્દુલાલ ગાંધી
( ૮/૧૨/૧૯૧૧ - ૧૦/૧/૧૯૮૬)
કેટલીકવાર સર્જકનાં અમુક સર્જનો એટલા સુવિખ્યાત બની જતાં હોય છે કે, એ સર્જનો જ કવિની, સર્જકની સાચી ઓળખ બની જતાં હોય છે. “આંધળી માના કાગળ” ના રચયિતા કોણ ? “પ્રભુજીને પડદામાં રાખમાં” કાવ્યના સર્જક કોણ ? “એ વાર હું ને મીરાં મથુરામાં ગ્યા'તાં” અને “ભાદરમાં ધૂવે લૂંગડાં ભાણી” જેવાં લોકહૈયે રમતાં કાવ્યનો કર્તા કોણ ? તુરત જ બોલી ઊઠાશે કે કવિ શ્રી ઇન્દુલાલ ગાંધી....... આ અમર રચનાઓ જ કવિશ્રી ઇન્દુલાલ ગાંધીની ઓળખ બની ગઇ છે.
રમણીયતાના ઉપાસક, રંગદર્શી, કલ્પનાના સ્વામી શ્રી ઇન્દુલાલ ગાંધી એટલે, સ્વાંતંત્ર્ય પહેલાનાં સમયમાં ગુજરાતી ભાષાને મળેલું એક અણમોલ કવિરત્ન. જેમની કવિતાથી પ્રભાવિત થઇને કવિ ન્હાનાલાલના મુખમાંથી શબ્દો સરી પડ્યા......“પથ્થરને પીગળાવનારા કવિ........” શ્રી ઇન્દુલાલ ગાંધી એટલે ઉત્તમ કવિ, પત્રકાર, નાટ્યલેખક, વાર્તાલેખક, સંપાદક, આવાં અનેકવિધ પાસાંઓથી ઓપતું એક જાજરમાન વ્યક્તિત્વ !
સૌરાષ્ટ્રનો કાઠીયાવાડ મુલક તો પાણીદાર માણસોને પકવતો આવ્યો છે. મોરબી પાસે આવેલાં રૂપકડાં અને રણિયામણાં મકનસરમાં તા. તા. ૮/૧૨/૧૯૧૧ ને દિવસે તેમનો જન્મ. સિંધ અને બૃહદ્ ગુજરાતમાં લબ્ધપ્રતિષ્ઠિત સર્જકનું સ્થાન પામેલા કવિશ્રી ઈન્દુલાલ ફૂલચંદ ગાંધીએ પ્રાથમિક શિક્ષણ મોસાળમાં મોરબીની તાલુકાશાળામાં લીધેલું. પછી, રાજકોટની કિશોરસિંહજી પ્રાથમિક શાળા, લાખાજીરાજ સ્કૂલ, કરણસિહજી હાઇસ્કૂલ અને હાલ મહાત્મા ગાંધી વિદ્યાલય તરીકે ઓળખાતી અગાઉની ‘આલ્ફ્રેડ હાઇસ્કૂલ’ માંથી ચાર અંગ્રેજી સુધીનો અભ્યાસ કર્યો, ત્યાં કુટુંબની આર્થિક સ્થિતિ કથળતાં, પિતાને વ્યવસાયાર્થે કરાંચી જવાનું બનેલું ત્યારે, કુટુંબના અન્ય સભ્યો સાથે થોડો સમય વાંકાનેર ગાળીને પછી કુટુંબ સાથે કરાંચી સ્થાયી થયેલા. અહીં ડોલરરાય માંકડ, કરસનદાસ માણેક અને જયંત આચાર્ય વગેરે સાહિયકારોનાં સર્જનનો સામયિકો-પુસ્તકો દ્વારા પરોક્ષ પરિચય પ્રાપ્ત થયો. જે સમયાન્તરે ઊંડા પેમાળ-સંબંધમાં પરિણમેલો. કરાંચીમાં આખો દિવસ પાન-બીડીની દુકાનમાં વ્યવસાયરત રહેવાનું બનતું તેથી એમ.જે.હાઇસ્કૂલ નામની નાઇટ માધ્યમિક સ્કૂલમાં દાખલ થયેલા અને ઈન્ટર આર્ટ્સ સુધી પહોંચેલા. પ્રારંભમાં જુગતરામ રાવળ સંપાદિત ‘સિંધ સમાચાર’ માં હરજીવન વાંકાનેરકર નામે કાવ્ય રચનાઓ પ્રકાશિત થતી, પરંતુ પછીથી ડોલરરાય માંકડ, કરસનદાસ માણેક પાસેથી સાહિત્ય પદાર્થની ઊંડી સૂઝ મેળવેલી. કવિશ્રીને વાત્સલભાવ, માનવતાવાદી દ્રષ્ટિકોણ અને પરિશ્રમી વૃત્તિ તેમનાં દાદીમાંના જીવનમાંથી સાંપડેલ. ૧૯૩૨ માં વાંકાનેરના વર્ધમાન શેઠના સુપુત્રી શાંતાબહેન સાથે કવિશ્રી લગ્નગ્રંથિથી જોડાયેલા. તેમના પ્રસન્ન દામ્પત્યજીવનનો ઊંડો પરિતોષથી તેમનો જીવન-સાગર સભર રહ્યો
કરાંચીમાં પાની દુકાન એટલે સાહિત્યિક ગોષ્ઠિ માટેનું સુંદર સ્થાન. દેશમાં નવજાગૃતિનો એ કાળ. લોકચેતનાનો એક જુવાળ જાગ્યો હતો. યુવાન ઇન્દુભાઇના મનમાં કોઇ સાહિત્યિક સામયિક શરૂ કરવાના મનોરથ ઘડાતા હતા. ત્યાં જ તેમને શ્રી ડોલરરાય માંકડ, ભવાનીશંકર વ્યાસ જેવા સાહિત્યમિત્રો મળી રહ્યા અને “ઊર્મિ” માસિકનો જન્મ થયો. સતત સાત વર્ષ સુધી ઇન્દુભાઇ તેમના સંપાદનપદે રહ્યા. કરાંચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદ વખતે સ્થાનિક મંત્રી તરીકે તેમની વરણી થયેલી. કરાંચીમાં ઊજવાતા શરદોત્સવનું તેઓ સંચાલન કરતા. કરાંચીમાં બૃહદ્ ગુજરાતી સાહિત્ય દ્વારા વિવિધ ચાલતી પ્રવૃત્તિના વ્યવસ્થાપક બની રહ્યા.
ગુજરાતી ભાષાના આજના ઘણા ખ્યાતનામ કવિ - લેખકોને ઇન્દુભાઇએ સાહિત્યના વહેણમાં તરતાં કર્યાં હતા. કરાંચીમાં સુંદર કારકીર્દિ ઘડાઇ રહી હતી. પુસ્તકોનાં પ્રકાશન તેમના ખાતે જમા થઇ ગયેલા હતા. ત્યાં ૧૯૪૭ માં ભારતના ભાગલા પડ્યા. ઇન્દુભાઇ બહોળા કુટુંબ સાથે ભારત આવ્યા. એમની કરાંચી છોડ્યાની વેદના “એ જી મારો ચકલાં માળો ચૂથાણો” એ ગીતમાં વ્યક્ત થઇ છે.
કથળેલી સ્થિતિ વચ્ચે મોરબીમાં ઇન્દુભાઇ સ્થાયી થયા. કંઇક વ્યવસાય અને થોડીક સામયિક સંપાદનની કામગીરી સંભાળી પુન:સ્થિર થઇ રહ્યા હતા. ત્યાં ૧૯૫૦ માં મચ્છુમાં ભારે પૂર આવ્યું. ઇન્દુભાઇની મોટાભાગની ઘરવખરી અને ગ્રંથો તેમાં તણાઇ ગયા.
કુદરતની કારમી થપાટમાં સપડાઇ ગયેલા કવિ રાજકોટ આવ્યા અને “નૂતન સૌરાષ્ટ્ર” દૈનિકમાં જોડાયા. ૧૯૫૪માં રાજકોટમાં આકાશવાણીનું કેન્દ્ર શરૂ થયું. પ્રારંભમાં તેઓ સ્ક્રિપ્ટ રાઇટર તરીકે જોડાયા. ધીમે ધીમે આગળ વધતાં પ્રોડ્યુસરના પદે પહોંચ્યા.
આકાશવાણીમાં વીશેક વર્ધા સુધી નાટ્યવિભાગ સંભાળ્યો અને ૨૫૦ જેટલાં એકાંકી રજૂ કર્યા. આઇકાશવાણીનો “ખજાનો” કહી શકાય તેવી કૃતિઓ આપી. એમનાં નાટકો નાટ્યજગતની શોભા બની રહ્યા. આકાશવાણીના વિવિધ કાર્યક્રમો તેમણે પોતાની લાક્ષણિક શૈલીમાં અલંકૃત કર્યા. એમનાં સુંદર સુગેય કાવ્યો આજ પણ આકાશવાણી પર પ્રસારણની પાંખે ઊડી રહ્યાં છે. ૧૯૭૩ માં તેઓ આકાશવાણીમાંથી નિવૃત્ત થયા. રાજકોટની લેંગ લાયબ્રેરીમાં દર બુધવારે યોજાતી “સુરંગ” નામે જ્ઞાનગોષ્ઠિમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરૂં પાડતા. ૧૯૮૦ માં મુંબઇમાં વિલે પાર્લે સાહિત્ય અકાદમી દ્વારા સુરેશ દલાલના અધ્યક્ષસ્થાને શ્રી ઇન્દુભાઇનું સન્માન થયેલું. તેમજ તા. ૫/૬/૧૯૮૩ ના રોજ રાજકોટની લેંગ લાયબ્રેરી અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શ્રી ઇન્દુભાઇનું સન્માન થયેલું. જેમાં અધ્યક્ષસ્થાને લબ્ધપ્રતિષ્ઠિત કવિશ્રી હરીન્દ્ર દવે તેમજ નવલકથાકાર શ્રી હરકિશન મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ઇન્દુભાઇની સંપાદનક્ષેત્રની કામગીરી જોઇએ તો, “કોલક” અને રતુભાઇ દેસાઇ સાથે “કવિતા” સામયિક શરૂ કરેલું. મોરબીથી મીનુ દેસાઇ સાથે “અતિથિ” નામે સામયિક શરૂ કરેલું. એ પછી રાજકોટથી “મંજરી” શરૂ કરેલું. શ્રી કે.પી.શાહ અને જશુ મહેતા સાથે “લોકવાણી” -“રોશની” સાપ્તાહિક શરૂ કરેલાં. “સારથિ” માં મહેન્દ્ર વ્યાસને પણ સંપાદન કાર્યમાં મદદ કરતા. તેમણે “રેણુ” નામે ‘વાર્ષિકી’ શરૂ કરેલું. ૧૯૭૩-૭૪ માં શ્રી ધીરેનભાઇ ગાંધી સાથે “વિશ્વ પરિવર્તન” નામનું વિચારપત્ર શરૂ કરેલું. “ફૂલછાબ” ના સુવર્ણજયંતિ અંકમાં અતિથિ સંપાદક તરીકે તેમણે સેવાઓ આપેલી. “કચ્છમિત્ર” ના રજતજયંતિ અંકમાં પણ તેમણે સંપાદક તરીકે પોતાની સેવાઓ આપેલી.
આ તમામ સંપાદનોમાં તેમની સાહિત્યિક સૂઝ સ્પષ્ટ વર્તાઇ આવતી હતી. કાવ્યસર્જન, નાટ્યલેખન અને અનુવાદ ઇન્દુભાઇના સાહિત્ય જીવનમાં પ્રધાન અંગો રહ્યા. અંગ્રેજી, હિન્દી, સિંધી ભાષામાંથી તેમણે કેટલાયે લેખો, વાર્તાઓ, કાવ્યોને ગુજરાતી ભાષામાં ઊતાર્યા અને તે પણ મૂળ કૃતિનું પોત જરાપણ ઝાંખુ પાડ્યા વગર. તેમની લેખિની સદા સ્ફૂર્તિયુક્ત રહી છે. મહાકવિ કાલિદાસના નાટક “વિક્રમોવર્શીયમ્” નું તેમણે કરેલું સંપાદન - અનુવાદ ધ્યાનાર્હ બની રહ્યા છે.
મિતભાષી અને સ્વમાનપ્રિય સાહિત્યકાર શ્રી ઇન્દુલાલ ગાંધીએ “જીવનને ઊર્ધ્વ બનાવ્યા વગર સારું સાહિત્ય ન નીપજે” તે સિદ્ધાંત તેમણે જીવનમાં આચરી બતાવ્યો. ગમે તેવી કપરી પરિસ્થતિમાં પણ તેમનું સ્વમાન, તેમની ખુમારી અડીખમ રહી અને સદાયે મસ્તક સ્વાભિમાનથી ઉન્્નત જ રહ્યું. તેમનાં સંતાનોને પણ તેઓએ એ જ સ્વમાન અને ખુમારીના સંસ્કારો આપ્યા.
સર્જક અને સર્જનની કસોટી એ છે કે, જે કાળની ગમે તેવી કારમી થપાટો વચ્ચે અડીખમ બનીને ઊધો રહે તેને માટે કવિશ્રીના સર્જનમાંથી એક જ ઉદાહરણ પૂરતું છે, અને તે છે શ્રી ઇન્દુલાલ ગાંધીનું અમર સર્જન “આંધળી માનો કાગળ” કરાંચીમાં બાકસના બચલાના કાર્ટુન પર વીંટળાયેલ ખાખી કાગળ પર જેનું સર્જન થયેલું. જે અજર-અમર બની ગયું. કવિએ અનેક એક એકથી ચડિયાતી રચનાઓ આપી, પણ કવિની સાચી ઓળખ બની ગયો “આંધળી માનો કાગળ” - જ્યાં સુધી આ પૃથ્વી પર માતૃવેદના અને માતૃવાત્સલ્ય જીવશે ત્યાં સુધી આ રચના માતૃવાત્સલ્ય અને માતૃવેદનાની જુગલબંદીનું કાવ્ય “આંધળી માનો કાગળ” પૃથ્વી પર જીવંત રહેશે. તેમાં શંકા નથી. આ કાવ્યે કવિને પણ અમરતા બક્ષી દીધી. આજે પણ સાવ છેવાડેના ગામડાઓમાં વસતી ગુજરાતી પ્રજા વચ્ચે એ ગીત જીવતું-જાગતું છે. દૂર દૂર પરદેશમાં સ્થાયી થયેલ ગુજરાતી પ્રજા વચ્ચે પણ આ ગીત ગવાય છે. આજે પણ આ દર્દસભર ગીત સાંભળીને સંવેદનશીલ ભાવકોનાં હૈયાં ‘રહ - રહ રૂવે’ છે. માતૃવેદનાનું આ કાવ્ય કંઠોપકંઠ વારસાના માધ્યમથી ગાયકોના કંઠમાં અને શ્રોતાઓનાં હૈયાંમાં અમૂલ્ય રત્નની જેમ સચવાઇને પડ્યું છે. આ ‘કાગળ’ ને અનેક મ્યુઝિક કૂપનીઓએ કેસેટ, સી.ડી. અને રેકર્ડમાં ઊતારેલ છે અને દિગ્ગજ કલાકારોએ એમાં કંઠ આપી ધન્યતા અનુભવેલી છે. ગીતકાર, સંગીતકાર અવિનાશ વ્યાસે પણ ઇ.સ. ૧૯૭૭ ની ગુજરાતી ફિલ્મ “મા-બાપ” માટે આશા ભોંસલે પાસે આ ગીત ગવડાવ્યું છે.
શ્રી ઇન્દુલાલ ગાંધીની સાહિત્ય-સર્જનની માળા સદાયે મ્હેકતી રહેવાની અને એ રીતે કવિશ્રી ઇન્દુલાલ ગાંધી પોતાના અક્ષરદેહે લોકહ્વદયમાં સ્થાન પામેલા રહેવાના છે.
હે કવિ, આપને સહસ્ત્રશ: વંદના................