બુધવાર, 25 ઑગસ્ટ, 2010
રવિવાર, 1 ઑગસ્ટ, 2010
કાગળનો જવાબ.
ફાંટ્યાં-તૂટ્યાં જેને ગોદડી-ગાભાં આળોટવા ફૂટપાથ;
આંધળી ડોશીનો દેખતો દીકરો કરતો મનની વાત.
‘વાંચી તારાં દુ:ખડાં માડી !
ભીની થઈ આંખડી મારી.’
પાંચ વરસમાં પાઈ મળી નથી એમ તું નાખતી ધા;
આવ્યો તે દિ’થી આ હોટલને ગણી માડી વિનાની મા,
બાંધી ફૂટપાયરી જેણે,
રાખ્યો રંગ રાતનો એણે !
ભાણીઓ તો, માડી ! થાય ભેળો જે દિ’ મિલો બધી હોય બંધ;
એક જોડી મારાં લૂગડાંમાં એને આવે અમીરીની ગંધ ?
ભાડે લાવી લૂગડાં મોંઘાં,
ખાતો ખારાં દાળિયા સોંઘા.
દવાદારૂં આંહી આવે ન ઢૂંકડાં એવી છે કારમી વેઠ;
રાત ને દિવસ રળું તો યે મારું ખાલીને ખાલી પેટ.
રાતે આવે નીંદરું રૂડી,
મારી કને એટલી મૂડી.
જારને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઇનો લોટ;
બેસવા થર કે ઠેકાણું ના મળે કૂબામાં તારે શી ખોટ ?
મુંબઇની મેડિયું મોટી,
પાયામાંથી સાવ છે ખોટી.
શે’રના કરતાં ગામડામાં મને દેખાય ઝાઝો માલ.
નથી જાવું દાડિયે તારે,
દિવાળીએ આવવું મારે.
કાગળનું તારે કામ શું છે માડી ? વાવડ સાચા જાણ;
તારા અંધાપાની લાકડી થાવાના મેં લીધાં પચખાણ.
હવે નથી ગોઠતું માડી ?
વાંચી તારી આપદા કાળી.’
- ઇન્દુલાલ ગાંધી.
શનિવાર, 31 જુલાઈ, 2010
આંધળી માનો કાગળ
કરાંચીના નિવાસ દરમિયાન તેની દુકાનમાં ગોંડલનો એક માણસ નોકરી કરતો. વૃદ્ધ માતાનો આ એકનો એક દીકરો કરાંચી કમાવા આવ્યો હતો. તેની માતા તેને ગોંડલથી પત્રો લખી પોતાની હાલતનું વર્ણન કરતી. આ પત્રો વાંચીને ઇન્દુલાલ ગાંધીના મનમાં સંવેદનાઓના પૂર ઊમટ્યાં. બહારગામ રહેતા નોધારી માતાની હાલત અને માતાની પુત્ર પ્રત્યેની ચિંતા કેવી હોય, તેનું બયાન આ “કાગળ” માં થયું.
કરાંચીમાં કોલમ્બિયા કંપનીએ કવિની મંજૂરી વગર રેકર્ડ બહાર પાડી. કવિને ધ્યાનમાં આવતાં તેમણે કંપની પર કેસ કર્યો. આ કેસના છાંટા આ “આંધળી માનો કાગળ” ગાનાર કલાકારને પણ ઊડે તેમ હતાં. કેસ તો કર્યો, પણ કવિનું સંવેદનાશીલ હ્વદય દ્રવી ઊઠ્યું. એમને એ વખતે મોટું વળતર મળે તેમ હતું. એટલું મોટું વળતર કે કવિશ્રી કરાંચીમાં એ જમાનામાં ઘરનું ઘર ખરીદી શકાય, પણ કવિને વિચાર આવ્યો કે “એક કલાકારની છાતી પર પગ મૂકીને, એને દુભાવીને મળતાં વળતરને મારે શું કરવું છે ?” અને એક કવિ એક કલાકારને કચડીને કેવી રીતે ઊભો રહી શકે ? એમણે વળતર જતું કર્યું, પણ કોલમ્બિયા કંપનીની એ રેકર્ડો નામદાર કોર્ટે મંગાવી અને જજની હાજરીમાં એ રેકર્ડો તોડી નાખી.
પુનમચંદના પાનીઆ આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.
લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા ;
રોવું મારે કેટલા દા’ડા ?
ભાણાનો ભાણિઓ લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દાડિયું ખેંચવા; રાતે હોટલમાં ખાય,
નિત નવાં લુગડાં પે’રે
પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી ;
ગરીબની ઇ જ છે મૂડી.
ખોરડું વેંચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ
જારનો રોટલો જડે નહિ તે દિ’ પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું
મારે નિત જારનું ખાણું.
દેખતી તે દિ’ દરણાં, પાણી કરતી ઠામેઠામ
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વિજળીદીવા,
મારે આંહી અંધારા પીવાં.
લીખીતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.
શ્રી ઇન્દુલાલ ગાંધીની સર્જન-યાત્રા.
(૧) તેજરેખા - કવિતા - ૧૯૩૧
(ર) જીવનનાં જળ - કવિતા - ૧૯૩૩
(૩) ખંડિત મૂર્તિઓ - ખંડકાવ્યો - ૧૯૩૫
(૪) શતદલ - કવિતા - ૧૯૩૯-૬૨
(૫) ગોરસી - કવિતા - ૧૯૩૯
(૬) ઇંધણાં- કવિતા - ૧૯૪૪
(૭) ધનુરદોરી - કવિતા - ૧૯૪૪
(૮) ઉન્મેષ - કવિતા - ૧૯૪૭
(૯) પલ્લવી - કવિતા - ૧૯૫૩
(૧૦) શ્રીલેખા - કવિતા - ૧૯૫૮
(૧૧) ઉત્તરીય - કવિતા - ૧૯૬૨
(૧૨) નારાયણી - નાટિકા - ૧૯૩૨
(૧૩) પલટાતાં તેજ - નાટિકા - ૧૯૩૫
(૧૪) અંધકાર વચ્ચે - નાટિકા - ૧૯૩૭
(૧૫) અપ્સરા - નાટિકા - ૧૯૪૧
(૧૬) પથ્થરનાં પારેવાં - નાટિકા - ૧૯૪૧-૫૫
(૧૭) અપંગ માનવતા - નાટિકા - ૧૯૩૨-૩૫-૪૭
(૧૮) ચિત્રાદેવી - નાટિકા - ૧૯૩૧-૪૧-૪૮
(૧૯) ગોમતીચક્ર - નાટિકા - ૧૯૪૪
(૨૦) કીર્તિદા - વાર્તાસંગ્રહ - ૧૯૩૫
(૨૧) રામાયણદર્શન - બાલકથા - ૧૯૫૬
(રર) મહાભારતદર્શન - બાલકથા - ૧૯૫૬
(૨૩) વિક્રમોવર્શીયમ્ - અનુવાદ - ૧૯૬૨
(૨૪) બાલ વિવેકાનંદ - નાટિકા - ૧૯૬૫
(૨૫) ઇન્દુલાલ ગાંધીની કવિતા (ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત) સંપાદકીય કવિતા ૧૯૮૩
(૨૭) કવિતા - કાવ્યમાસિક - ૧૯૪૫ - સંપાદક તરીકે
(૨૮) અતિથિ - માસિક - ૧૯૪૮ થી ૫૦ - સંપાદક તરીકે
(૨૯) મંજરી - કાવ્ય માસિક - ૧૯૫૪ થી ૫૫ - સંપાદક તરીકે
(૩૦) રેણુ - વાર્ષિક - ૧૯૭૨ થી ૭૩ - સંપાદક તરીકે
(૩૧) વિશ્વપરિવર્તન - સાપ્તાહિક - ૧૯૭૩ - સંપાદક તરીકે
(૩૨) “ફૂલછાબ” – ૫૦ વર્ષ પૂરાં થતાં સુવર્ણ જયંતિ અંકના સંપાદક. ૧૯૭૧
(૩૩) “કચ્છમિત્ર” દૈનિક – ૨૫ વર્ષ પૂરાં થતાં રજતજયંતિ અંકના સંપાદક. ૧૯૭૨
શ્રી ઇન્દુલાલ ગાંધીની સર્જનયાત્રાનાં સંભારણાં - ૩.
શ્રી ઇન્દુલાલ ગાંધીની સર્જનયાત્રાનાં સંભારણાં-ર.
મકનસરમાં રહેતા ૧૨ વર્ષના બાળકને રાત્રિના બે વાગ્યે “ધબાધબ” અવાજ સંભળાય છે. કાન માંડીને સાંભળ્યું તો દૂર દૂરથી અવાજ આવતો હતો. એક હાથમાં લાકડી અને બીજા હાથમાં ટોર્ચ લઇને તે બાળક નીકળ્યો. અવાજની દિશામાં પગલાં માંડતાં માંડતાં તે નદીની કોતર સુધી પહોંચ્યો. એક ભેખડ પર નિર્વસ્ત્ર સ્ત્રી કપડાં ધોતી હતી. આ દ્રશ્ય જોઇને રાત્રિના અંધકારમાં જ થોડા ભય અને થોડી શંકાની લાગણી સાથે બાળક ઘરમાં પાછો આવ્યો. બાળક મોટો થઇને જ્યારે કવિ ઇન્દુલાલ ગાંધી તરીકે પ્રખ્યાત થયો ત્યારે બાળસંસ્મરણોથી આ ગીત અક્ષરદેહે “ભાણી” સ્વરૂપે બહાર આવ્યું.
ઇન્દુલાલ ગાંધીની સર્જનયાત્રાનાં સંભારણાં.
શુક્રવાર, 30 જુલાઈ, 2010
બુધવાર, 28 જુલાઈ, 2010
ખાંભી
ખાંભી
(દ્રુતવિલંબિત)
અહીં હશે ચમકી વીજ એક દિ’
ખણખણાટ થતાં હથિયારના;
વહી હશે નવ-શોણિતની નદી
બલિ થતાં કઈ બક્ષીસલક્ષણા.
શૂરકથા શત વર્ષ જીવાડવા
અહીં મૂકેલ શિલા કંઇ કોતરી;
સળગતો ભૂતકાળ અહીં ફરી
શહીદનાં પથદર્શન પૂજવા.
અહીં જ એ ઇતિહાસ પડી રહ્યો
સ્વજનસંઘ ગણી તરુની ઘટા;
મૂક શિલા મહીં પૌરુષ પેખતાં
મનુજ અંતર સ્વપ્ન ઘડી રહ્યો.
ઇન્દુલાલ ગાંધી.
મંગળવાર, 27 જુલાઈ, 2010
ખાલી હાથે
ખાલી હાથે
(મંદાક્રાંતા)
મેં ક્યાં કીધું સકલજગસામ્રાજ્યસત્તા મને દે !
મે’લાતો કે લખમીઢગની યે તમન્ના શી મારે ?
તેં સોંપેલી ધરતી પણ ત્રાસ જતી તેજ પીને :
અંધારાનો અરવ પદસંચાર એ નિત્ય ઝંખે.
અંગે અંગે પરિમલધરી મ્હેકતાં ફૂલ આવ્યાં
નાની પાંખે ગગનભરતાં પંખીઓ ગીત લાવ્યાં,
સંધ્યા, તારા, શશિ-રજનીશાં દ્યૌ અલંકાર વચ્ચે
તેં સંતાડી ઉરઅમુંઝણો પૃથ્વીની બાપુ, શાને ?
છાની હૈયાફડક થકી ઊડી ગયેલા અજંપે
મેં તો માત્ર કરગરી કહાવ્યું હતું એટલે કે,
આ અંધારૂં, સ્મરણભડકા લાહ્ય સંવેદનોની
કાજે તારા કીકીકિરણ એકાદની તીવ્ર ઇચ્છા.
મેં શું માંગ્યું ? મળી ગયું મને શું ? ન તે હું ય જાણું
ખાલી હાથે હરઘડી પ્રભુ, આપ્યું તારું વખાણું !
ઇન્દુલાલ ગાંધી.
કબ્રની કથા
કબ્રની કથા
(અનુષ્ટુપ)
વાણી જેમ મહાશોભા અર્પે છે ગૂઢ અર્થને,
તેમ શોભાવતું દીઠું શિલ્પસ્થાન સમર્થને.
દ્વારો ને બારસાખોનાં ધીંગા પથ્થર-થોરણો
મહીં કોરેલ મેં દીઠો જ્ઞાનપુંજ કુરાનનો.
બીબીઓ, બાંદીઓ, બચ્ચાં, સમ્રાટો પાયતખ્તના
સૂતા’તાં ગાઢ નિદ્રામાં ભૂલી સંસારની આપદા.
પડી’તી ખૂણામાં કથા એ સુપ્ત શૌર્યની,
બીજે સૌન્દર્ય બેઠું’તું નિસાસા કાળના વણી.
એકે શોણિતથી રંગી પૃથ્વી પાક પુરાણની,
બીજીએ આંહી મૂકેલી રંગેલી પાનીઓ ધીમી.
અસ્ત્રથી કોતર્યાં ક્રાન્તે કાયાનાં હાડપિંજરો,
સ્મિતે સોહામણાં કીધાં સ્ત્રીએ પદ્મસરોવરો.
કબ્રો કેરી કતારોમાં ભેદ કામિની કાન્તનો,
ર્દષ્ટિએ પારખી લીધો રંગ સાયં-પ્રભાતનો.
ઇન્દુલાલ ગાંધી.
છેલ્લી ટૂક : ગિરનાર
છેલ્લી ટૂક : ગિરનાર
વણમાપી, ઘનધૂંધળી લાંબી પર્વતમાળ,
તું એનો ગોવાળ, ખંભે કાળી કામણી.
તું ચાંદાનું બેસણું હરનું ભવ્ય લલાટ,
નભહિંડોળાખાટ, કિરણઆંકડીએ જડી.
પરાજયોની પ્રેરણા ધરતીનો જયદંડ,
તું ઊંચો પડછંડ, અથાક, અણનમ એકલો.
ઘેઘૂર વનની ઘીંઘમાં તારી વીરમલ વાટ,
ગિર આખી ચોપાટ, સાવજ તારાં સોગઠાં.
તારાં ઊંચા આસને ચઢતાં થાક્યાં અંગ,
થાકે કેમ ઉમંગ જેનાં ઊડણ એકલાં ?
ઊંચે આભ ઝળુંભિયો નીચે વનવિસ્તાર
અહીં તારો આધાર, હાલરડાં હરિ નામનાં !
ઊતરવું ગમતું નથી અંક ઝુકાવ્યું. શીશ
દે દાદા, આશિષ, ‘ચઢતાં થાક નહિ ચડે.’
ઇન્દુલાલ ગાંધી.
અનાશ્રયા
અનાશ્રયા
(અનુષ્ટુપ)
ત્યાગેલી પ્રસૂતા એક પડી’તી અર્ધઘેનમાં
કોણીને ટેકવી માથું, અંધારે ગુડ્સટ્રેનમાં :
બિછાનું યે ન’તું પાસે ઓઢવાનું હતું નહિ
જન્મેલા પુત્રને કાજે ન્હોતું રક્ષણ કોઇનું.
‘તારું આ છોકરું બેન, સોંપી દે તું સમાજને
ઉછેરીશું અમે એને’ બોલ્યા મા’જન મોવડી :
‘વળી તારું કર્યું પાપ ઢંકાશે આમ-આ રીતે
અજાણ્યા આશ્રમે છેલ્લા દિ’નો વિતાવજે.’
કલંકિની ફરી પાસું, ઉઘાડી આંખને ધીમે
અંધારાંની દીવાલોને હૂંફ એને વધુ ગમે !
‘જુઓને ભૈ, હવે તો હું ચવાણી ચોક-ચોતરે
ઢાંકીને એ બધું શાને કરેલાં પાપ બેવડું ?
તપશ્ચર્યા તણાં તેજે હણ્યું’તું દુ:ખ આંધળું,
હણાએલી બધાંથી હું માતૃત્વ શીદને હણું ?’
ઇન્દુલાલ ગાંધી.
તનના તંબૂરને
તનના તંબૂરને
આયુષ્યને ટીંગાટોળી કરીને
એણે વિશ્વ વડલાની ડાળે બાંધ્યું છે,
વડલો છે જર્જરિત,
પાન નથી,
એની પાસે કોઇ નવા જીવનનું ગાન નથી.
જોગણના ઊડતા લટુરિયા
જેની વડવાઇઓ
ખવાયેલું એનું થડ
થાક ખાવા કોણી ટેકવીને
પડ્યું આડેધડ.
એવા જર્જરિત વિશ્વવડલાની ડાળે
વિશ્વનિયંતાએ મારા
આયુષ્યને બાંધ્યું છે,
અધવચ્ચે જ્યારે જ્યારે તૂટી ગયું -
આવા આયુષ્યને મારે
સાચવવું કેટલા દિ’?
તરડ પડેલા મારા તનના તંબૂરને
રાખી શકું શે સંવાદી ?
ઇન્દુલાલ ગાંધી.
અબોલનું આક્રંદ
અબોલનું આક્રંદ
મંદિરિયામાં નથી રે, મારાથી રે’વાતું.
પરની પછેડીની સોડ ગમે શાને ? શાને ગમે પરનું ભાતું ?
ચરણામૃત ગણી આંસુ પીતાં સૌએ, પાપને માની પનોતું :
મંદિરિયામાં નથી રે, મારાથી રે’વાતું.
વીંઝણાના વાયુ મને વિષડંખ દેતાં, ભડકા જેવી સોના-ભીંતું,
હૈયું બળે ત્યારે લાવે નાવણકૂંડી, જમડાની જાણે જમાતું :
મંદિરિયામાં નથી રે, મારાથી રે’વાતું.
ગીત ગળામાંથી ખૂટ્યાં ગોવિંદના, તૂટી તંબૂરાની તાંત્યું,
તાર અખંડિત રહેશે ભગત, એનો કસબી બનીને જેણે કાંત્યું :
મંદિરિયામાં નથી રે, મારાથી રે’વાતું.
ઇન્દુલાલ ગાંધી.
ઓઝલમાં નાખ માં
ઓઝલમાં નાખ માં
પ્રભુજીને પડદામાં રાખ મા
પૂજારી, તારા -
આતમને ઓઝલમાં નાખ મા.
વાયુ વીંઝાશે ને દીવડો હોલાશે એની
ભીતિ વંટોળિયાની ભાખ મા,
આડે ઊભો તારો દેહ અડીખમ
બાપુ, ભળી જાશે ખાખમાં.
પૂજારી, તારા -
આતમને ઓઝલમાં નાખ મા.
ઊડી ઊડીને આવ્યાં પંખી હેમાળેથી
થાક ભરેલો એની પાંખમાં;
સાત સમુંદરને પાર કર્યા એનું
નથી રે ગુમાન એની આંખમાં.
પૂજારી, તારા -
આતમને ઓઝલમાં નાખ મા.
આંખના રતન તારાં છોને હોલાય
છોને હીરા લૂંટાય તારા લાખના;
હયાંનો હીરો તારો નહિ રે લૂંટાય કો’થી
ખોટા હીરાને ખેંચી રાખ મા.
પૂજારી, તારા -
આતમને ઓઝલમાં નાખ મા.
ઇન્દુલાલ ગાંધી.
નણદલબા
નણદલબા
વીરા મોરા, ઊંચી મેડીનાં નીચાં બેસણાં રે,
ઓલી કોરે નમતાં નેણાંનાં વેણ
અદકાં વહાલેરાં હું થી-
હોઠે હરખ હૈયે રૂસણાં રે.
બ્હેની મોરી, આઘી નદીયું ને ઓરી વીરડી રે,
તું તો માનાં ધાવણની ધાર
મીઠાં સરોવરની પાળ-
પરનાં નેવાંની પારેવડી રે.
નણદલબા, શાને ચડી છે રીસ આવડી રે ?
હું યે છું કોઇ બાંધવની બેન
મારા બાપજીનાં નેન-
માડીની અમિયલ આંખડી રે.
નણદલબા, ઉરના અબોલા ઝાઝું બોલતા રે
તમે પારિજાતનો છોડ
રુમઝુમ ફુલનો હિંડોળ-
તમારી ફોરમે અમે ફોરતાં રે.
ઇન્દુલાલ ગાંધી.
સોમવાર, 26 જુલાઈ, 2010
મેંદી રંગ લાગ્યો રે
મેંદી રંગ લાગ્યો રે
મેંદી તે વાવી માળવે
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે -
નાનો દેરીડો લાડકો
ભાભી, રંગો તમારા હાથ રે
મેંદી રંગ લાગ્યો રે !
આંગળીઓ રંગી ને રંગી હથેલી
રંગી બેઠી હું તો મનડું યે ઘેલી :
કરી પાનીઓ લાલગુલાલ રે
મેંદી રંગ લાગ્યો રે !
ફાગળને ફૂલેકે ખિલ્યો’તો ખાખરો
એણે કેસૂડાનો રંગધર્યો આકરો !
જાણે મેંદીના હાથનો રૂમાલ રે
મેંદી રંગ લાગ્યો રે !
વાયરો જો ઊડીને આવ્યો વૈશાખથી,
કૈક નવું કામણ કીધું એણે આંખથી;
રંગ્યું કુમકુમથી ભાભીનું ભાલ રે
મેંદી રંગ લાગ્યો રે !
ઇન્દુલાલ ગાંધી.
રાજવણ
રાજવણ
એલી રાજવણ તારે મોલ, દીવડો શેણે બળે રે લોલ,
તારો રંગરસિયો નહિ ઘેર, દીવડો શેણે બળે રે લોલ.
હૈયાને ટોડલે મોરલા બેઠા
બેઠા કરતા વાતો જો
વાત સાંભળીને મારું હરખે હૈયું
કેમે ખૂટે નહિ રાતો જો
મેં તો દિલના દીવેલ પૂર્યા કે દીવડો એણે બળે રે લોલ,
એલી રાજવણ તારે મોલ, દીવડો શેણે બળે રે લોલ.
મોર પછવાડે નાચતી કૂદતી
આવી ઢેલડ રાણી જો
કાનને મેં તો સરવા કીધા
તો યે ન સાંભળી વાણી જો
એના ટહુકાની તેલ ધારે કે દીવડો એણે બળે રે લોલ,
એલી રાજવણ તારે મોલ, દીવડો શેણે બળે રે લોલ.
આઘેથી કોક મારી કીકીની કેડીએ
પગલાં પાડતું આવે જો
મારા તે મનનો મોર માણીગર
પ્રીતિનાં પીછાં લાવે જો
એનાં પીછાંને પલકારે કે દીવડો એણે બળે રે લોલ,
એલી રાજવણ તારે મોલ, દીવડો શેણે બળે રે લોલ.
ઇન્દુલાલ ગાંધી.
માળો ચૂંથાણો
માળો ચૂંથાણો
(ભજન)
વડવાયું કોણે વીંખિયું હો જી !
એ જી મારો મીઠો મેરામણ ઉલેખાણો,
માછલિયું ક્યાં જઇ નાખિયું હો જી !
વા’લાના વાવડ નહોતા
સાથીના સગડ નહોતા :
પાનેપાને દવ પથરાણો રે,
વડવાયું કોણે વીંખિયું હો જી !
આંખ્યુંની એંધાણી નહોતી,
પ્રીત્યું યે બંધાણી નહોતી :
અંતરનો તૂટ્યો તાણોવાણો રે,
વડવાયું કોણે વીંખિયું હો જી !
સોણાં યે સૂકાણાં મારાં,
ભાણાં ભરખાણાં મારાં :
પાંખેપાંખે તીર પરોવાણાં રે,
વડવાયું કોણે વીંખિયું હો જી !
ઇન્દુલાલ ગાંધી.
વીજળી
વીજળી
એ તો ચમકી ચમકીને ચાલી જાય,
ને લપાય :
એવી દીઠી’તી અણજંપી વીજળી.
એ તો ઝબકી ઝબકીને છતી થાય,
ને છૂપાય :
એવી દીઠી’તી અણજંપી વીજળી.
અંબોડે આવીને અટકે મથરાવટી
પગમાં ભરાય તો ય અટકે ના દોડતી :
જેનાં છુમછુમછુમ ઝાંઝર સંભળાય,
એવી દીઠી’તી અણજંપી વીજળી.
વેણીમાં વાદળાં ને વાણીમાં ગર્જના
ઘનઘટમાં વેગે વિચરતી સુદર્શના :
જાણે ઘૂંઘટમાં મુખડું મલકાય,
ને મુંઝાય :
એવી દીઠી’તી અણજંપી વીજળી.
ઇન્દુલાલ ગાંધી.
સંધ્યાનો પડછાયો
સંધ્યાનો પડછાયો
સંધ્યાનો પડછાયો
લાંબી લાંબી ડોક કરીને
છેવાડે છવરાયો
સંધ્યાનો પડછાયો.
વ્યોમબારણાં બંધ હતાં ને
તિમિર ઊભું’તું બ્હાર :
ગડથોલા ખાતું અજવાળું
ગયું આભની પાર.
રજનીનો પાલવ પૃથ્વીની
પાંપણ પર પથરાયો
સંધ્યાનો પડછાયો.
ચાંચ ક્ષિતિજની ખૂલી મહીંથી
નીકળ્યો રાતો રંગ
અંધકારમાં સૂર્યકિરણનું
ગયું ઓગળી અંગ.
તપી ગયેલી ધરતી ઉપર
શીતળ વાયુ વાયો
સંધ્યાનો પડછાયો.
ઇન્દુલાલ ગાંધી.
તીખો તડકો
તીખો તડકો
કેવો આ તીખો તડકો !
ઝાળ નહિ કે વરાળ નહિ
તો યે અંગે ઊઠે ભડકો
કેવો આ તીખો તડકો !
રણ ચડેલી રાણી સરખી
ધૂળ ઊડે ધસમસતી :
ફળિયું વાળી સાફ કરો ત્યાં
આંધી આવે હસતી !
રમે વાયુ અડકો દડકો
કેવો આ તીખો તડકો !
કૂણાં પગંતિયાને ધરતી
આગચુંબનો ચોડે :
લૂની ચાદરો આવી અંગને
આલિંગન લ્યે કોડે !
થઇ ત્રાંબાવરણી સડકો
કેવો આ તીખો તડકો !
ઇન્દુલાલ ગાંધી.
એક તણખલું
એક તણખલું
જ્યારે હું ખેતરે એક તણખલું,
જોઉં છું, ડોલતું અંગે,
ત્યારે મારું એકલવાયું મન
ખિલે નવા – નવા રંગે.
નાનકડું એનું જીવન એમાં
સ્વપ્ન બેઠું હશે નાનું ;
વ્યર્થ મારી દૃગ દોડી રહે પણે,
શોધવા ચન્દ્રબિછાનું.
એનાં ઉમંગ ને આશાની તોલે,
મારું આ વિશ્વ છે રંક;
હીંચકાવી રહ્યો વાયુ, હીંચે જાણે,
શિશુ જનેતાને અંક.
જ્યારે હું ખેતરે એક તણખલું
જોઉં છું ડોલતું અંગે;
ત્યારે મારું એકલવાયું મન,
હીંચે છે જુદા તરંગે.
ઇન્દુલાલ ગાંધી.
પતંગિયાનું ટોળું
પતંગિયાનું ટોળું
મેં તો દીઠું પતંગિયાનું ટોળું
જાણે ઢોળાતું રંગનું કચોળું –
કચોળું-મેં તો ૦
ફરફરતા પાલવમાં
છૂપ્યું વાસંતી સ્મિત :
ઊડતી સૂરાવલિમાં
ગૂંથ્યું ગુલાબી ગીત.
બેઠું આંખે પારેવડું ભોળું
ભોળું-મેં તો ૦
ફૂલડાંના રંગ જાણે
ઓઢ્યા એણે અંગ અંગ;
પાંખોમાં પથરાયો
પ્રાણનો નવો ઉમંગ.
એના હૈયાને કેમ હું હીંચોળું ?
હીંચોળું-મેં તો ૦
ઇન્દુલાલ ગાંધી.
તે તું જ છે
તે તું જ છે
પૃથ્વી જન્મી તે દિવસ
જે તું હતો, તે તું જ છે.
પથ્થરોનાં શસ્ત્ર લઇને ઘૂમતો,
કાળ ભૈરવ મૃત્યુના મુખ ચૂમતો :
યુદ્ધ-ભૂમિ પર સરિતા
રક્તની રેલાવનારો તું જ છે-
પૃથ્વી જન્મી ૦
સંહારની તારી તરસ છીપી નથી,
ઇશ્વરે સોંપેલી માનવતા-
દયા-મમતા,
તારા કર્મોમાં કદી દીપી નથી
યાતનાના ચક્કરોમાં ઘૂમતો
ઘૂમાવનારો તું જ છે-
પૃથ્વી જન્મી ૦
મેં તને જ્વાળાની વચ્ચે
બળતો દીઠો છે;
ફાંસી તણી દોરી મહીં
તરફડતો દીઠો છે,
પૂર્વજોનાં પાતકોની ઘાતકી
વંશાવળીનો વિષવેલો તું જ છે.
પૃથ્વી જન્મી ૦
રાની પશુની જેમ તાજાં
લોહોની તારી તરસ,
આયુધની અથડામણોમાં
થાય છે તું એક રસ :
પ્રત્યેક યુગે અવનવાં આયુધને
શોધનારો, સર્જનારો
સંહારનારો તું જ છે.
પૃથ્વી જન્મી ૦
ઇન્દુલાલ ગાંધી.
રામની વાણી
રામની વાણી
પાયને આપી અથાક વાયુગતિ
આગળ પોતે ને વાંસે બન્ધુજતિ,
મૃગલું મારીને લાવ્યા રઘુપતિ જોઇને જાનકી રીઝશે જાણી :
‘જાનકી ! જાનકી !
જુઓ, જુઓ કેવી કંચુકી આણી ?’
હર્ષ છલોછલ રામની વાણી.
પર્ણકુટિરને ઝાડવે ઝાડવે
મૌન ઢળેલ આ, કોના ગેબીરવે ?
વાયનું અંતર છાનું છાનું દ્રવે રામથી શૂન્યતા ના પરખાણી;
અવનિ લાગતી આજ અજાણી.
જોઇ રહ્યા પ્રભુ ફૂલનાં ગંજને
આવરી લેતા પ્રકાશના પુંજને,
પૂછે પળે પળે જુઇની કુંજને મ્હેકતી જ્યાં નિત જાનકી રાણી
પાંપણોમાં ગયાં ગૂંથાઇ પાણી
ક્યાંય મળે નહિ કેમ એંધાણી ?
છોડી કુટિરની શીતલ છાયા :
વગડે વગડે રામ તણાયા,
‘ક્યાંય દીઠી તમે ભૂમિની જાયા ? ’ વેદના અંતરની અકળાણી :
ખીણને કોતર રામની વાણી
પથ્થર પથ્થર રામની વાણી.
કોઈની ચીસ પડે પ્રભુશ્રવણે
પંખી પડ્યું ફફડે વનને ખૂણે,
રામના દર્શનની એને અંતરે અંતિમ કામના એક વણાણી;
પંખીમુખે સારા વાવડ જાણી
વાયુ ઢોળે એને રામની વાણી.
પંખીઓ બંધ પડી ગયાં ગાતાં
વાયુને શીત વળી ગયાં વાતાં,
પંખી જટાયુએ જાગતાં જાગતાં રામનાં નામની નિંદર તાણી :
રામમિલાપની કામના માણી
પંખી જટાયુએ નિંદર તાણી.
સૂરજપે ચડ્યા વાદળના થર
દિશાએ દિશાનાં આથડ્યાં અંતર,
વ્યોમના શ્યામલ ચંદરવા પર હુડુડુડુડુડુ ગાજતાં પાણી :
મેઘને ત્રાટકે વીજને તાણી
ધરતી શીદને તું ગભરાણી ?
જાનકી ! જાનકી !
ઉતરી વાયુને મારગે આંધી
પ્રકૃતિ કંપી રહી અપરાધી,
દ્યૌ ધરતી, દિશા પાતાળ વીંધી ચોગરદમ જઇ પથરાણી;
કોમલ કોમલ રામની વાણી
પ્રેમ છલોછલ રામની વાણી.
ઇન્દુલાલ ગાંધી.
મીરાં બોલી
મીરાં બોલી
રે, હું તો રંગભીની રાધિકા થઇ છું.
લોકલાજ મરજાદ શી મારે ?
જ્યાં ને ત્યાં નાચી રહી છું,
રે, હું તો રંગભીની રાધિકા થઇ છું.
રાધાજી ઘૂંઘટમાં નાચે
જમનાજી પનઘટમાં નાચે :
મીરાં મારગ વચમાં નાચે ;
છડેચોક છબીલી થઇ છું,
રે, હું તો રંગભીની રાધિકા થઇ છું.
છૂટેલી વાણી મેં બાંધી :
તૂટ્યા તાર રહી છું સાંધી :
ના રોકજો ચડતી આંધી
જુદી જમાતોમાં ગઇ છું ;
રે, હું તો રંગભીની રાધિકા થઇ છું.
ઇન્દુલાલ ગાંધી.
હું ને મીરાં
હું ને મીરાં
એકવાર હું ને મીરાં મથુરામાં ગ્યાં’તાં,
ઘૂઘરીને ઘમકારે ઘેલાં ઘેલાં થ્યાં’તાં :
એકવાર હું ને મીરાં મથુરામાં ગ્યાં’તાં.
હાથમાં લાકડીઓ હતી,
પગમાં ચાખડીઓ હતી :
મંદિરની ઓસરીમાં રાત અમે રયાં’તાં.
એકવાર હું ને મીરાં મથુરામાં ગ્યાં’તાં.
કાળા કાળા કૃષ્ણ હતા,
ગોરી ગોરી ગોપીઓ,
બોરિયાળી બંડી ને
માથે કાન-ટોપીઓ :
રાસની રંગતમાં અમે કાન ગોપી થ્યાં’તાં.
એકવાર હું ને મીરાં મથુરામાં ગ્યાં’તાં.
ભજનોની ધૂન હતી
હું મોહ્યોતો ગીતમાં,
મીરાં તો જોતી હતી
માધવને ભીંતમાં :
પથરા પણ મીરાંને સાદ પાડી રયાં’તાં.
એકવાર હું ને મીરાં મથુરામાં ગ્યાં’તાં.
ઇન્દુલાલ ગાંધી.
કોઇ કહેજો
કોઇ કહેજો
કોઇ કહેજો
કોઇ કહેજો માધવને વિનતિ,
મારું મનડું રહ્યું મળવા તલપી-
કોઇ કહેજો ૦
એને પગલે નર્તન જાગે સખી :
એને કંઠે કીર્તન વાગે સખી
સુંદરતાનાં ડગલાં ભરતી -
કોઇ કહેજો ૦
ઉષાની કુમકુમ આંગળીએ,
સંધ્યાની સોના-ચાખડીએ;
રજની-પાનેતરમાં રમતી,
કોઇ કહેજો ૦
સરવાણી થંભી બંસીની,
પાંખો ઢીલી થઇ હંસીની;
નથી ધેનુ પણ તમને ગમતી ?
કોઇ કહેજો ૦
ઇન્દુલાલ ગાંધી.
સ્વપ્નનગરની શેરીમાં
મારા સ્વપ્નનગરની શેરીમાં
એક રાધા રમવા આવી’તી
ના ગીત હતું, નહોતી બંસી, તો ય ઘરઘર ભમવા આવી’તી
હજી જ્યાં એનાં ઝાંઝર ઠમક્યાં
ત્યાં તારક દીપક થૈ ટમક્યાં,
એક એક હ્રદયમાં માધવનું મંદિર સરજવા આવી’તી
મારા સ્વપ્નનગરની શેરીમાં
એક રાધા રમવા આવી’તી
જ્યાં પડી પાનીઓ મસ્તાની
ત્યાં હસી ધૂળ રસ્તાની.
ઉજ્જડ રણમાં એ પીયુષ વાદળી થઇ વરસવા આવી’તી
મારા સ્વપ્નનગરની શેરીમાં
એક રાધા રમવા આવી’તી.
રવિવાર, 25 જુલાઈ, 2010
શી રીતે વખાણું ?
શી રીતે વખાણું
માધવ, તારા રૂપને શી રીતે વખાણું ?
તું થી તેજ પડે ઝંખવાણું
માધવ, તારા રૂપને શી રીતે વખાણું ?
બંસીના હોઠે તું સ્વરની સુંદરતા
ગોપીના નેણાં તો અમૃત પીતાં,
તારી વાણીથી ત્રિલોક બંધાણું
માધવ, તારા રૂપને શી રીતે વખાણું ?
પૂનમે વદનની આભાને ચોરી
કમળોએ જોઇ લીધી આંખ બિલોરી;
પંચશરથી આ બધું ન ખમાણું
માધવ, તારા રૂપને શી રીતે વખાણું ?
શીતલ, શ્યામલ-સ્નિગ્ધ સ્વરૂપ તારું
એક એક ગોપીના અંતરનું અજવાળું :
એનાથી જ આ અમી જીરવાણું
માધવ, તારા રૂપને શી રીતે વખાણું ?
ઇન્દુલાલ ગાંધી.
કહો એટલું
કહો એટલું
ઓધવજી, મને કહો એટલું -
કેમ મુરારિ મથુરા છોડી નથી આવતાં ગોકુલમાં ?
ભાગ્ય મહીં શું હશે નિરંતર, બળવાનું વિરહાનલમાં ?
ઓધવજી, મને કહો એટલું –
છાણ-વાસીદાં ને સંજવારી
નથી કાઢવાની તૈયારી :
ભૂખ-તરસ ભૂલીને ગૌધણ
ઊભાં છે આંખોને ઢાળી,
ખરે બપોરે પણ લાગે છે, જગત ડૂબ્યું તિમિરજલમાં
ઓધવજી, મને કહો એટલું –
શું ગોવિંદ અહીં નહિ આવે ?
સ્મિત મધુરું નહિ ફરકાવે ?
ગોવર્ધન, વૃન્દાવન-યમુના
સાદ કરી-કરીને બોલાવે
ગોપવૃન્દનાં ભીનાં નયનો ભટકી રહ્યાં છે જલથલમાં
ઓધવજી, મને કહો એટલું –
કેમ મુરારિ મથુરા છોડી નથી આવતાં ગોકુલમાં ?
ભાગ્ય મહીં શું હશે નિરંતર, બળવાનું વિરહાનલમાં ?
ઓધવજી, મને કહો એટલું –
ઇન્દુલાલ ગાંધી.
રાતને આરે
રાતને આરે
આજે અમે બધું ભૂલવા બેઠાં.
એક અવાચક રાતને આરે,
તારોડિયા જ્યારે -
આવી આવીને આળોટતા હેઠાં
ત્યારે અમે બધું ભૂલવા બેઠાં.
એ વગડાઉ ભૂમિ મનમોહન
જમણીકોર મહાનદી હાંફતી-
ડાબી કોરે હતું તુલસીનું વન
ઘેઘુર વડલાની વડવાઇએ
હીંચકતા કદીએ ન ધરાતાં
પાવાના ગીત જ્યાં લાગતાં મીઠાં
આજે અમે બધું ભૂલવા બેઠાં.
ઊંડી નદી તણી ઊંચેરી ભેખડ
કાંઠે ઊભી હતી બોરડી બેવડ !
વચ્ચે ખેતરવા મારગ ઉજ્જડ
ખાતા ધરાઈને બોર ખારેકડી
પાકેલ હીરકચાં, કોઇ રાતાં
પંખીઓએ કર્યાં હોય જે એઠાં,
આજે અમે બધું ભૂલવા બેઠાં.
ટોળે ટોળાં ભમતાં હરણાંનાં
ડોલન-નૃત્ય તરુ-તરણાંનાં,
ગીત લલિત નદી-ઝરણાંનાં,
હસી હસી વનને ય હસાવતાં
એવા આવળનાં ફૂલને છોડી
કાગળના ફૂલ સુંઘવાં બેઠા
જાગવું ભૂલીને ઊંઘવા બેઠાં !
આજે અમે બધું ભૂલવા બેઠાં.
હજી સંભારું છું
ભમ્યો તારી સાથે વિજનવન રેતાળ ધરણી
પરે, ને આઘેરી અટવી તણી માણી સરભરા ;
અરણ્યોને ખુંદ્યાં, કમલદલ ચૂમ્યાં, ઘણી ઘણી
ઋચાઓ શાસ્ત્રોની શ્રવણ કરી તારે તટ સખી !
સૂફીવાદી મસ્તી, હરમતવણી ગોષ્ઠિ, અડપલાં
કવિતાનાં, તારાં થકી જ જનમ્યાં બાલ્યવયમાં:
હીંચોળ્યું હૈયાંને કવનતણી ભૈ દોરી કરમાં
પછી પ્રેર્યો ‘ઈશ્કે હકીકી’ ભણી થૈ ને પ્રિયતમા.
હજી સંભારું છું ગતજીવનની આ રહી સહી
લકીરોને, છાંટી કવનજલ કારુણ્ય નીતર્યું :
સખી, તેં સોંપેલું, પરત કરું તારાં ચરણમાં.
ઉનાળો ને વર્ષા, શિશિરઋતુનાં મુક્તકવનો
પ્રિયા સિંધુ, તારાં મહીં શમી ગયાં પ્રેમસ્તવનો;
તને ખોઇ ખોયાં સકલ કવિતાનાં પ્રિયજનો.
ઇન્દુલાલ ગાંધી.
આઘી – અણદીઠી ભોમે
જૂનાં સંભારણાનાં કરજો સામૈયા બેલી !
નવલાંની નીંદરૂને નાથજો;
ઊંડા હૈયામાં બેસી અદકેરૂં જોજો બેલી ;
આછાં પાણીને નહિ માપજો.
વારે ને ઘડીએ અવસર, વાટ ના જોશે બેલી !
અવસરની વાટે કોઈ ના જીવજો ;
અવસર નાવે તો ઊભો અવસરને કરજો બલી !
ઉછીના કિરણ ઉર નવ ઝીલજો.
સપનાંને કરજો વહેતાં કાયાની સડકે બેલી !
અણજંપ્યા કરજો ઉરના ઓરતા ;
બળતણ ખૂટે તો બાળજો હૈયાને ભડકે બેલી !
ચંદન તો ખાખ જ થઇને ફોરતાં.
થનગનતો કરજો માયલા મનનો મનસૂબો બેલી !
આઘી, અણદીઠ ભોમને પૂગજો ;
સૂરજ દિવસે ને રાતે ચાંદો ઊગે છે બેલી !
કદી ના આથમીએ એવું ઊગજો.
ઇન્દુલાલ ગાંધી.
સરિતાનો આ પ્રવાહ
સરિતાનો આ પ્રવાહ
ગતિમાન છતાં સ્થિત –
ધક્કામુક્કી કરી એના
આગળનાં પાણીને ધકેલે છે.
પણ ક્યાં જવું છે એનું
કોઇને ય નથી ભાન,
પણ બસ જવાનું છે
એટલી છે એને જાણ,
મનમાં છે અહંકાર એટલો કે
અટકાવી કોઇથી શકાય નહિ
આપણું ગતિ પ્રયાણ.
પણ પેલો કાંઠો એના
મારગને રોકે છે,
પાણી જ્યાં નજીક આવે
ત્યાં તો કાળમીંઢ એની દંતુડીઓ
સલિલને અંગે અંગે ભોંકે છે.
વસૂકેલી નદીઓ આ
પાતળો પ્રવાહ
કાંઠો તોડી નાખવા
ચોમાસાની વાટ જોતો
નીલવર્ણા વ્યોમને વિલોકે છે.
ઇન્દુલાલ ગાંધી.
સિંધુની યુવાની
કેવી જુવાની છે સરસ ?
ચાંદની ઘૂંટી કર્યું’ તું અંગ જાણે એકરસ :
કેવી જુવાની છે સરસ ?
નાના તરંગો ‘પાટલી પગલાં’ સમા લાગ્યા મને,
કલ્પી ફરી નિહારતાં આહીરની કન્યા તને :
તોફાનનું ? પૂછો ન બસ ?
કેવી જુવાની છે સરસ ?
તું ફીણને ગોટે રહી નવડાવી નાનકડી શિલા,
અભિષેકની દીઠી પૂનમને આભગોખે ઉજ્જવલા :
સૌન્દર્ય તો પાતું હતું અંગાંગમાંથી પ્રેમરસ
કેવી જુવાની છે સરસ ?
અણથીર અંગ સમસ્તનો ચકડોળ આ કેવો ચગ્યો ?
એવો ચગ્યો !
જે જોઈ સંતોષાય ના આંખો અને ઉરની તરસ :
કેવી જુવાની છે સરસ ?
જીવન ઝાંખી
મિતભાષી અને સ્વમાનપ્રિય સાહિત્યકાર શ્રી ઇન્દુલાલ ગાંધીએ “જીવનને ઊર્ધ્વ બનાવ્યા વગર સારું સાહિત્ય ન નીપજે” તે સિદ્ધાંત તેમણે જીવનમાં આચરી બતાવ્યો. ગમે તેવી કપરી પરિસ્થતિમાં પણ તેમનું સ્વમાન, તેમની ખુમારી અડીખમ રહી અને સદાયે મસ્તક સ્વાભિમાનથી ઉન્્નત જ રહ્યું. તેમનાં સંતાનોને પણ તેઓએ એ જ સ્વમાન અને ખુમારીના સંસ્કારો આપ્યા.












