શ્રી ઇન્દુલાલ ગાંધીની અમર રચના “આંધળી માના કાગળ” નું સર્જન કેવી રીતે થયું ?
કરાંચીના નિવાસ દરમિયાન તેની દુકાનમાં ગોંડલનો એક માણસ નોકરી કરતો. વૃદ્ધ માતાનો આ એકનો એક દીકરો કરાંચી કમાવા આવ્યો હતો. તેની માતા તેને ગોંડલથી પત્રો લખી પોતાની હાલતનું વર્ણન કરતી. આ પત્રો વાંચીને ઇન્દુલાલ ગાંધીના મનમાં સંવેદનાઓના પૂર ઊમટ્યાં. બહારગામ રહેતા નોધારી માતાની હાલત અને માતાની પુત્ર પ્રત્યેની ચિંતા કેવી હોય, તેનું બયાન આ “કાગળ” માં થયું.
કાગળ લખાયા બાદ અને ગવાયા બાદ વાંચકો અને શ્રોતાઓનું કવિ પર આ કાગળનો જવાબ લખવા માટે ખૂબ દબાણ થયું. ત્યારે ૧૯૫૦ માં ભાગલા બાદ મોરબીમાં આવ્યા ત્યારે “કાગળનો જવાબ” નું સર્જન થયું.
કરાંચીમાં કોલમ્બિયા કંપનીએ કવિની મંજૂરી વગર રેકર્ડ બહાર પાડી. કવિને ધ્યાનમાં આવતાં તેમણે કંપની પર કેસ કર્યો. આ કેસના છાંટા આ “આંધળી માનો કાગળ” ગાનાર કલાકારને પણ ઊડે તેમ હતાં. કેસ તો કર્યો, પણ કવિનું સંવેદનાશીલ હ્વદય દ્રવી ઊઠ્યું. એમને એ વખતે મોટું વળતર મળે તેમ હતું. એટલું મોટું વળતર કે કવિશ્રી કરાંચીમાં એ જમાનામાં ઘરનું ઘર ખરીદી શકાય, પણ કવિને વિચાર આવ્યો કે “એક કલાકારની છાતી પર પગ મૂકીને, એને દુભાવીને મળતાં વળતરને મારે શું કરવું છે ?” અને એક કવિ એક કલાકારને કચડીને કેવી રીતે ઊભો રહી શકે ? એમણે વળતર જતું કર્યું, પણ કોલમ્બિયા કંપનીની એ રેકર્ડો નામદાર કોર્ટે મંગાવી અને જજની હાજરીમાં એ રેકર્ડો તોડી નાખી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો