રવિવાર, 1 ઑગસ્ટ, 2010

કાગળનો જવાબ.


ફાંટ્યાં-તૂટ્યાં જેને ગોદડી-ગાભાં આળોટવા ફૂટપાથ;
આંધળી ડોશીનો દેખતો દીકરો કરતો મનની વાત.
‘વાંચી તારાં દુ:ખડાં માડી !
ભીની થઈ આંખડી મારી.’


પાંચ વરસમાં પાઈ મળી નથી એમ તું નાખતી ધા;
આવ્‍યો તે દિ’થી આ હોટલને ગણી માડી વિનાની મા,
બાંધી ફૂટપાયરી જેણે,
રાખ્‍યો રંગ રાતનો એણે !

ભાણીઓ તો, માડી ! થાય ભેળો જે દિ’ મિલો બધી હોય બંધ;
એક જોડી મારાં લૂગડાંમાં એને આવે અમીરીની ગંધ ?
ભાડે લાવી લૂગડાં મોંઘાં,
ખાતો ખારાં દાળિયા સોંઘા.

દવાદારૂં આંહી આવે ન ઢૂંકડાં એવી છે કારમી વેઠ;
રાત ને દિવસ રળું તો યે મારું ખાલીને ખાલી પેટ.
રાતે આવે નીંદરું રૂડી,
મારી કને એટલી મૂડી.

જારને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઇનો લોટ;
બેસવા થર કે ઠેકાણું ના મળે કૂબામાં તારે શી ખોટ ?
મુંબઇની મેડિયું મોટી,
પાયામાંથી સાવ છે ખોટી.
ભીંસ વધી ને ઠેલંઠેલા રોજ પડે હડતાલ;
શે’રના કરતાં ગામડામાં મને દેખાય ઝાઝો માલ.
નથી જાવું દાડિયે તારે,
દિવાળીએ આવવું મારે.

કાગળનું તારે કામ શું છે માડી ? વાવડ સાચા જાણ;
તારા અંધાપાની લાકડી થાવાના મેં લીધાં પચખાણ.
હવે નથી ગોઠતું માડી ?
વાંચી તારી આપદા કાળી.’


- ઇન્‍દુલાલ ગાંધી
.

શનિવાર, 31 જુલાઈ, 2010

આંધળી માનો કાગળ

શ્રી ઇન્‍દુલાલ ગાંધીની અમર રચના “આંધળી માના કાગળ” નું સર્જન કેવી રીતે થયું ?
કરાંચીના નિવાસ દરમિયાન તેની દુકાનમાં ગોંડલનો એક માણસ નોકરી કરતો. વૃદ્ધ માતાનો આ એકનો એક દીકરો કરાંચી કમાવા આવ્‍યો હતો. તેની માતા તેને ગોંડલથી પત્રો લખી પોતાની હાલતનું વર્ણન કરતી. આ પત્રો વાંચીને ઇન્‍દુલાલ ગાંધીના મનમાં સંવેદનાઓના પૂર ઊમટ્યાં. બહારગામ રહેતા નોધારી માતાની હાલત અને માતાની પુત્ર પ્રત્યેની ચિંતા કેવી હોય, તેનું બયાન આ “કાગળ” માં થયું.
લખાયા બાદ અને ગવાયા બાદ વાંચકો અને શ્રોતાઓનું કવિ પર આ કાગળનો જવાબ લખવા માટે ખૂબ દબાણ થયું. ત્‍યારે ૧૯૫૦ માં ભાગલા બાદ મોરબીમાં આવ્‍યા ત્‍યારે “કાગળનો જવાબ” નું સર્જન થયું.
કરાંચીમાં કોલમ્‍બિયા કંપનીએ કવિની મંજૂરી વગર રેકર્ડ બહાર પાડી. કવિને ધ્યાનમાં આવતાં તેમણે કંપની પર કેસ કર્યો. આ કેસના છાંટા આ “આંધળી માનો કાગળ” ગાનાર કલાકારને પણ ઊડે તેમ હતાં. કેસ તો કર્યો, પણ કવિનું સંવેદનાશીલ હ્વદય દ્રવી ઊઠ્યું. એમને એ વખતે મોટું વળતર મળે તેમ હતું. એટલું મોટું વળતર કે કવિશ્રી કરાંચીમાં એ જમાનામાં ઘરનું ઘર ખરીદી શકાય, પણ કવિને વિચાર આવ્‍યો કે “એક કલાકારની છાતી પર પગ મૂકીને, એને દુભાવીને મળતાં વળતરને મારે શું કરવું છે ?” અને એક કવિ એક કલાકારને કચડીને કેવી રીતે ઊભો રહી શકે ? એમણે વળતર જતું કર્યું, પણ કોલમ્‍બિયા કંપનીની એ રેકર્ડો નામદાર કોર્ટે મંગાવી અને જજની હાજરીમાં એ
રેકર્ડો તોડી નાખી.
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્
પુનમચંદના પાનીઆ આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.

લખ્‍ય કે માડી ! પાંચ વરસમાં પ્‍હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા ;
રોવું મારે કેટલા દા’ડા ?

ભાણાનો ભાણિઓ લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દાડિયું ખેંચવા; રાતે હોટલમાં ખાય,
નિત નવાં લુગડાં પે’રે
પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી ;
ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેંચ્‍યું ને ખેતર વેચ્‍યું, કૂબામાં કર્યો છે વાસ
જારનો રોટલો જડે નહિ તે દિ’ પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું
મારે નિત જારનું ખાણું.

દેખતી તે દિ’ દરણાં, પાણી કરતી ઠામેઠામ
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વિજળીદીવા,
મારે આંહી અંધારા પીવાં.

લીખીતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્‍યો ભીખ માગવા વારો.
- ઇન્‍દુલાલ ગાંધી.


શ્રી ઇન્‍દુલાલ ગાંધીની સર્જન-યાત્રા.

શ્રી ઇન્‍દુલાલ ગાંધીની સર્જન – યાત્રા.
(૧) તેજરેખા - કવિતા - ૧૯૩૧
(ર) જીવનનાં જળ - કવિતા - ૧૯૩૩
(૩) ખંડિત મૂર્તિઓ - ખંડકાવ્‍યો - ૧૯૩૫
(૪) શતદલ - કવિતા - ૧૯૩૯-૬૨
(૫) ગોરસી - કવિતા - ૧૯૩૯
(૬) ઇંધણાં- કવિતા - ૧૯૪૪
(૭) ધનુરદોરી - કવિતા - ૧૯૪૪
(૮) ઉન્‍મેષ - કવિતા - ૧૯૪૭
(૯) પલ્‍લવી - કવિતા - ૧૯૫૩
(૧૦) શ્રીલેખા - કવિતા - ૧૯૫૮
(૧૧) ઉત્તરીય - કવિતા - ૧૯૬૨
(૧૨) નારાયણી - નાટિકા - ૧૯૩૨
(૧૩) પલટાતાં તેજ - નાટિકા - ૧૯૩૫
(૧૪) અંધકાર વચ્‍ચે - નાટિકા - ૧૯૩૭
(૧૫) અપ્‍સરા - નાટિકા - ૧૯૪૧
(૧૬) પથ્થરનાં પારેવાં - નાટિકા - ૧૯૪૧-૫૫
(૧૭) અપંગ માનવતા - નાટિકા - ૧૯૩૨-૩૫-૪૭
(૧૮) ચિત્રાદેવી - નાટિકા - ૧૯૩૧-૪૧-૪૮
(૧૯) ગોમતીચક્ર - નાટિકા - ૧૯૪૪
(૨૦) કીર્તિદા - વાર્તાસંગ્રહ - ૧૯૩૫
(૨૧) રામાયણદર્શન - બાલકથા - ૧૯૫૬
(રર) મહાભારતદર્શન - બાલકથા - ૧૯૫૬
(૨૩) વિક્રમોવર્શીયમ્ - અનુવાદ - ૧૯૬૨
(૨૪) બાલ વિવેકાનંદ - નાટિકા - ૧૯૬૫
(૨૫) ઇન્‍દુલાલ ગાંધીની કવિતા (ગુજરાત સરકાર દ્વારા પુરસ્‍કૃત) સંપાદકીય કવિતા ૧૯૮૩
(૨૬) ઊર્મિ - માસિક - ૧૯૩૦ થી ૩૩ - સંપાદક તરીકે
(૨૭) કવિતા - કાવ્‍યમાસિક - ૧૯૪૫ - સંપાદક તરીકે
(૨૮) અતિથિ - માસિક - ૧૯૪૮ થી ૫૦ - સંપાદક તરીકે
(૨૯) મંજરી - કાવ્‍ય માસિક - ૧૯૫૪ થી ૫૫ - સંપાદક તરીકે
(૩૦) રેણુ - વાર્ષિક - ૧૯૭૨ થી ૭૩ - સંપાદક તરીકે
(૩૧) વિશ્વપરિવર્તન - સાપ્‍તાહિક - ૧૯૭૩ - સંપાદક તરીકે

(૩૨) “ફૂલછાબ” – ૫૦ વર્ષ પૂરાં થતાં સુવર્ણ જયંતિ અંકના સંપાદક. ૧૯૭૧
(૩૩) “કચ્‍છમિત્ર” દૈનિક – ૨૫ વર્ષ પૂરાં થતાં રજતજયંતિ અંકના સંપાદક. ૧૯૭૨

શ્રી ઇન્‍દુલાલ ગાંધીની સર્જનયાત્રાનાં સંભારણાં - ૩.

સને ૧૯૪૭ માં ભારતના ભાગલા થયા. કરાંચીમાં સ્‍થાયી થયેલા કવિને ભાગલા થતાં કરાંચી છોડતાં હૈયું રડી પડ્યું. વતનને છોડતાં ખૂબ દુ:ખ થતું હતું. જાણે એના આત્‍માને કોઇ શરીરથી અલગ કરતું હતું અને એ વેદનાને શબ્‍દ દેહ મળ્યો :
“એ જી મારો ચકલાંનો માળો ચૂંથાણો, વડવાયું કોણે વીંખિયું હો જી. ”

શ્રી ઇન્‍દુલાલ ગાંધીની સર્જનયાત્રાનાં સંભારણાં-ર.

મકનસરમાં રહેતા ૧૨ વર્ષના બાળકને રાત્રિના બે વાગ્‍યે “ધબાધબ” અવાજ સંભળાય છે. કાન માંડીને સાંભળ્યું તો દૂર દૂરથી અવાજ આવતો હતો. એક હાથમાં લાકડી અને બીજા હાથમાં ટોર્ચ લઇને તે બાળક નીકળ્યો. અવાજની દિશામાં પગલાં માંડતાં માંડતાં તે નદીની કોતર સુધી પહોંચ્યો. એક ભેખડ પર નિર્વસ્‍ત્ર સ્‍ત્રી કપડાં ધોતી હતી. આ દ્રશ્‍ય જોઇને રાત્રિના અંધકારમાં જ થોડા ભય અને થોડી શંકાની લાગણી સાથે બાળક ઘરમાં પાછો આવ્યો. બાળક મોટો થઇને જ્યારે કવિ ઇન્‍દુલાલ ગાંધી તરીકે પ્રખ્યાત થયો ત્‍યારે બાળસંસ્‍મરણોથી આ ગીત અક્ષરદેહે “ભાણી” સ્‍વરૂપે બહાર આવ્યું.

ઇન્‍દુલાલ ગાંધીની સર્જનયાત્રાનાં સંભારણાં.

શ્રી ઇન્‍દુલાલ ગાંધીની અમર રચના “આંધળી માના કાગળ” નું સર્જન કેવી રીતે થયું ?
કરાંચીના નિવાસ દરમિયાન તેની દુકાનમાં ગોંડલનો એક માણસ નોકરી કરતો. વૃદ્ધ માતાનો આ એકનો એક દીકરો કરાંચી કમાવા આવ્‍યો હતો. તેની માતા તેને ગોંડલથી પત્રો લખી પોતાની હાલતનું વર્ણન કરતી. આ પત્રો વાંચીને ઇન્‍દુલાલ ગાંધીના મનમાં સંવેદનાઓના પૂર ઊમટ્યાં. બહારગામ રહેતા નોધારી માતાની હાલત અને માતાની પુત્ર પ્રત્યેની ચિંતા કેવી હોય, તેનું બયાન આ “કાગળ” માં થયું.
કાગળ લખાયા બાદ અને ગવાયા બાદ વાંચકો અને શ્રોતાઓનું કવિ પર આ કાગળનો જવાબ લખવા માટે ખૂબ દબાણ થયું. ત્‍યારે ૧૯૫૦ માં ભાગલા બાદ મોરબીમાં આવ્‍યા ત્‍યારે “કાગળનો જવાબ” નું સર્જન થયું.
કરાંચીમાં કોલમ્‍બિયા કંપનીએ કવિની મંજૂરી વગર રેકર્ડ બહાર પાડી. કવિને ધ્યાનમાં આવતાં તેમણે કંપની પર કેસ કર્યો. આ કેસના છાંટા આ “આંધળી માનો કાગળ” ગાનાર કલાકારને પણ ઊડે તેમ હતાં. કેસ તો કર્યો, પણ કવિનું સંવેદનાશીલ હ્વદય દ્રવી ઊઠ્યું. એમને એ વખતે મોટું વળતર મળે તેમ હતું. એટલું મોટું વળતર કે કવિશ્રી કરાંચીમાં એ જમાનામાં ઘરનું ઘર ખરીદી શકાય, પણ કવિને વિચાર આવ્‍યો કે “એક કલાકારની છાતી પર પગ મૂકીને, એને દુભાવીને મળતાં વળતરને મારે શું કરવું છે ?” અને એક કવિ એક કલાકારને કચડીને કેવી રીતે ઊભો રહી શકે ? એમણે વળતર જતું કર્યું, પણ કોલમ્‍બિયા કંપનીની એ રેકર્ડો નામદાર કોર્ટે મંગાવી અને જજની હાજરીમાં એ રેકર્ડો તોડી નાખી.